Saturday, May 15, 2010

હું પાછો જરૂર આવીશ

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે.

સ્વપ્નમાં તું કોઇ’દી આવી મને મળ તો ખરી

એ ભલે લાંબા સમયથી બંધ હો પણ આખરે,
એક પગરવ માત્ર પગરવ બારણાં ખોલી જશે

સ્વપ્નમાં તું કોઇ’દી આવી મને મળ તો ખરી
તું દરિયામાં ડૂબતો માણસ બચાવી પણ શકે

હસ્તરેખાઓ જો બદલી ના શકે તો શું થયું?
શક્ય છે કે એક ટહુકો આયખું બદલી શકે

મારા માટેની બધાની લાગણીને જાણવા
એક પળ મૃત્યુ પછીની જીવવા તું આપજે

-: અમિત ત્રિવેદી

Friday, May 14, 2010

દિવસો જુદાઈના જાય છે

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
-: ગની દહીંવાલા (અબ્દુલગની અબ્દુલકરીમ)

હોય છે કહેવા સમુ જે

હોય છે કહેવા સમુ જે, એ જ કહેવાતું નથી,
બહું વિકટ બેફામ જીવનની કહાની હોય છે.

Thursday, May 13, 2010

દિલમાં વ્યથા આખી ઉમર લાગી

ફકત એ કારણે દિલમાં વ્યથા આખી ઉમર લાગી.
કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.

ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી
તને પણ પાછા ફરતા એક મુદ્દત નામાબાર લાગી.

ન મેં પરવા કરી તેનીય એણે નોંધના લીધી.
મને તો આખી દુનીયા મારા જેવી બેકદર લાગી.

ઝરણ સુકાઈને આ રીતથી મ્રુગજળ બની જાએ
મને લાગે છે એને કોઈ પ્યાસાની નઝર લાગી

હવે એવું કહીને મારુ દુ:ખ શાને વધારો છો.
કે આખી જીંદગી ફીકી મને તારા વગર લાગી

હતો એ પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો.
ને શંકા કદી લાગીતો એ તારી ઉપર લાગી.

ઘણા વરસો પછી આવ્યા છો એનો એ પૂરાવો છે
જે મેહંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.

બધા સુખદ અને દુ:ખદ પ્રસંગોને પચાવ્યો છે
પછી આ આખી દુનીયા મારું દીલ લાગી, જીગર લાગી.

અચલ ઈન્કાર છે એનો 'મરીઝ' એમાં નવું શું છે?
મને પણ માંગણી મારી અડગ લાગી, અફર લાગી.
-: મરીઝ

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય; સ્નેહ,
શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય ‘અદલ’ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

Wednesday, May 12, 2010

જિંદગીમાં છે લ્હાવો

જિંદગીમાં છે લ્હાવો કદમ પર કદમ પર
ફક્ત શરત એટલીકે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે
નવી સગવડો છે ઉતારે ઉતારે
-: મરીઝ