Showing posts with label મૂકેશ જોશી. Show all posts
Showing posts with label મૂકેશ જોશી. Show all posts

Tuesday, April 6, 2010

હું થોડા દિવસ હવે તારામાં રહું?

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?


કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

-: મૂકેશ જોશી