Showing posts with label કૃષ્ણ દવે. Show all posts
Showing posts with label કૃષ્ણ દવે. Show all posts

Saturday, January 15, 2011

એવું બને કંઇ? ...

પાંદડી પર લ્હેરખીથી તું લખે કાગળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
મ્હેંકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયમ ઝાકળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?

હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

જેમ બાળક પ્હેલવેલો એકડો ઘૂંટે ને દેખાડે બધાને હોંશથી એવી જ રીતે-
આંગણામાં સ્હેજ ભીની માટીએ ઘૂંટી હતી કૂંપળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

એ જ તો ખૂબી છે પર્વતની ઉકેલી જો શકો તો કંઇક ઉગી જાય અંદર એટલી ભીની લીંપીથી-
પથ્થરોના પૃષ્ઠ પર છાપ્યા કરે ખળખળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

ખુદની ઓળખને કદિ ભૂલ્યો નથીને એટલે તો આ મજા લૂંટી રહ્યો છું
ને જુઓ હું મૂળ મુકી જ્યાં ઉભો છું એ ભૂમી એ તળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?
-: કૃષ્ણ દવે

Monday, November 22, 2010

આ તે કેવું ?

ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?

મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?
-: કૃષ્ણ દવે

Friday, September 17, 2010

બે ઘડી વાતો કરી ...

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં.

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં......બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.
-: કૃષ્ણ દવે

Wednesday, September 15, 2010

ચાલને રમીએ પળ બે પળ

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.
હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.

રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.
-: કૃષ્ણ દવે