Showing posts with label ઉમાશંકર જોશી. Show all posts
Showing posts with label ઉમાશંકર જોશી. Show all posts

Wednesday, July 14, 2010

ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી ‘તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
-: ઉમાશંકર જોશી

Wednesday, May 26, 2010

પ્રીતડી કોઈ જોડે

કોઈ જોડે, કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે, કોઈ તોડે.

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે.
કોઈ આંખને અધઅણસારે ઊલટથી સામું દોડે.

કોઈ…કોઈક ગભરુ પ્રણયભીરુ ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે.

કોઈ…કોઈ અભાગી અધરે લાગી હ્રદયકટોરી ફોડે,
કો રસિયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે.કોઈ.
-: ઉમાશંકર જોશી

Wednesday, January 13, 2010

ગુજરાત મોરી મોરી રે

મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાના સોણલાં સુણાવતી,
રેવાના અમૃતની મર્મર ધવરાવતી
સમદરનાં મોતીની છોળે નવરાવતી
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા,
પાવાને ટોડલે મા'કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતીશી ઊભરે!
હૈયાનાં હીર પાઇ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોલડે,
નીરતીર સારસશાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઇ કે કેમ કરી ભૂલવી?
ગુજરાત મોરી મોરી રે.

મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

-: ઉમાશંકર જોશી (૧૯૮૧)