Showing posts with label પંચમ શુક્લ. Show all posts
Showing posts with label પંચમ શુક્લ. Show all posts

Wednesday, November 3, 2010

લાંબી લાંબી લેખણ લઈને

લાંબી લાંબી લેખણ લઈને લખવાથી શું થાય ?
મૂકે અમલમાં તો સૌ જાણે, કહેવાથી શું થાય ?

એની બંધ કિતાબ મહીં તો છે કોરું-ધાકોર,
કાળા અક્ષરનાં છતરે ઢંકાવાથી શું થાય ?

રોજ રાત આકાશ ખરે છે તારલિયાનાં ફૂલ,
રોજ સવારે સાવરણી ફેરવવાથી શું થાય ?

માત્ર હવાની લઈ આડશ, ને ફેંકે જે પડકાર,
એની સામે શસ્ત્ર-કવચ લઈ લડવાથી શું થાય ?

સાગરનું તળ તરસે રોતું આંસુએ ચોધાર,
જળને બદલે વડવાનલ સંઘરવાથી શું થાય ?
-: પંચમ શુક્લ