Wednesday, February 24, 2010

નામ મારું છે ખુશી

નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું

એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું

બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું

બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું

બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું

બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું

વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું

-: રમેશ પટેલઆકાશદીપ

Sunday, February 21, 2010

અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે
લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

પાંચ આંકડાના પગાર છે પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે.
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે પણ ક્લાઈન્ટનો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે
હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ ડે માં ઉજવાય છે
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે.
થાકેલાં છે બધા છતાં લોકો ચાલતાં જ જાય છે.
કોઇકને સામે રૂપીયા તો કોઇકને ડોલર દેખાય છે.
તમેજ કહો મિત્રો શું આને જ જીંદગી કહેવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે.
આવનારી પેઢી પૂછશે સંસ્કૃતિ કોને કહેવાય છે.
એકવાર તો દિલને સાંભળો બાકી મનતો કાયમ મુંઝાય છે.
ચાલો જલ્દી નિણૅય લઇએ મને હજુંય સમય બાકી દેખાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

Thursday, January 28, 2010

ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.
.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
.
મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
.
આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
.
-: ડૉ. વિવેક મનહર ટેલર

Wednesday, January 27, 2010

મારી ઊપર આકાશ એમનેમ છે….

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,

તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,

સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે.
-: ધ્રુવ ભટ્ટ્

Saturday, January 16, 2010

प्यार से ज्यादा दर्द कुछ नहीं होता......

अभी कुछ दिनों पहेले एक फिल्म देखि "रद बे बना दी जोड़ी"। एक संवाद मुझे अच्छा लगा

आप बहोत लकी है की आपको कभी प्यार नहीं हुआ
दुनिया में प्यार से ज्यादा दर्द कुछ नहीं होता।

Wednesday, January 13, 2010

ગુજરાત મોરી મોરી રે

મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાના સોણલાં સુણાવતી,
રેવાના અમૃતની મર્મર ધવરાવતી
સમદરનાં મોતીની છોળે નવરાવતી
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઇડરિયા,
પાવાને ટોડલે મા'કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતીશી ઊભરે!
હૈયાનાં હીર પાઇ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોલડે,
નીરતીર સારસશાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઇ કે કેમ કરી ભૂલવી?
ગુજરાત મોરી મોરી રે.

મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

-: ઉમાશંકર જોશી (૧૯૮૧)

Saturday, December 26, 2009

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી।
-: બેફામ