Thursday, April 2, 2009

છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે

છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે

મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે.

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?

કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.

મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?

દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.

આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,

પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.

મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,

ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે.

તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,

જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

No comments: