Showing posts with label રૂષભ મહેતા. Show all posts
Showing posts with label રૂષભ મહેતા. Show all posts

Friday, April 23, 2010

મેં મૂકી દીધો છે મારો હાથ તારા હાથમાં

મેં મૂકી દીધો છે મારો હાથ તારા હાથમાં,
ભાગ્યને મારા હવે તું રાખ તારા હાથમાં.

ફૂલ કેવળ રાતરાણીનું નથી દીધું તને,
મેં મૂકી છે જાગતી એક રાત તારા હાથમાં.

હાથ તારો મેં અમસ્તો તો નથી ચૂમી લીધો,
મેં મૂકી છે ઝૂરતી એક વાત તારા હાથમાં.

જ્યારથી સ્પર્શ્યો છે એને ત્યારથી મહેક્યા કરું,
ફૂલ તો ખીલતાં નથી ને તારા હાથમાં ?

એ કેમ લંબાતો નથી હજી મારા તરફ ?
કેટલાં જન્મો તણો છે થાક તારા હાથમાં.

તું સજા આપે હવે કે તું આપે હવે ક્ષમા,
મેં મૂક્યાં છે મારા સઘળા વાંક તારા હાથમાં.

અર્થ એનો તારે મન કંઈ પણ ભલે ન હોય,
પણ એક ઝાંખું નામ છે, વાંચ, તારા હાથમાં.

લાવ એને આંખ પર મારી સતત રાખી મૂકું,
સળવળે છે ક્યારની એક પ્યાસ તારા હાથમાં.

એટલાં મજબૂત તારા હાથ હું કરતો રહીશ,
જેટલાં ઘાવ જમાનો કરશે તારા હાથમાં.

હાથ તારો પામવા બેચેન હાથો કેટલાં ?
જાણે કે જગની બધી નિરાંત તારા હાથમાં.

હાથ મારો તું નહી પકડી શકે જાહેરમાં,
કેટલાં દુનિયાએ મૂક્યાં કાપ તારા હાથમાં.

હું હવે જડમૂળથી ઉખડી ગયો છું
તું લાગણી જો હોય, પાછો સ્થાપ તારા હાથમાં.

એક મારા નામની એમાં કમી છે,
અન્યથાકેટલાં મંત્રો તણા છે જાપ તારા હાથમાં.
-: રૂષભ મહેતા