Thursday, January 27, 2011

દરિયો ડોલે રે માઝમ રાતનો

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
-: ઝવેરચંદ મેઘાણી

કદી આંસુઓનું લઇ રૂપ આવે

કદી આંસુઓનું લઇ રૂપ આવે
કદી ફૂલ પેઠે પરોવાય શબ્દો

કદી ઓઠ પર આવી પાછા વળે છે
ઘણીવાર ઠાલા જ શરમાઇ શબ્દો

હતો મૌનનો એક સાગર છલકતો
કિનારે રહીને તારી જાય શબ્દો

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો

ખખડતું રહ્યું શહેર મધરાતના પણ
અવાજે અવાજે વગોવાય શબ્દો

-: ચિનુ મોદી

Wednesday, January 26, 2011

ડૂબવાનું હોય જાણે કે જગત

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું -
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !
-: રવીન્દ્ર પારેખ

કોઈની સાથે દોસ્તી કરો તો

કોઈની સાથે દોસ્તી કરો તો,
નિભાવવાની તાકાત રાખો;

કોઈની સાથે દુશ્મની કરો તો,
લડવાની તાકાત રાખો;

કોઈની સાથે શરત લગાવો તો,
જીતવાની તાકાત રાખો;

કોઈની મજાક ઉડાવો તો,
સહન કરવાની તાકાત રાખો;

કોઈનુ અપમાન કરો તો,
માફી માંગવાની તાકાત રાખો;

કોઈની સાથે પ્રેમ કરો તો
સામાજિક બંધનો તોડવાની તાકાત રાખો.

Monday, January 24, 2011

કોઇ નો લાડકવાયો

'સમબડિઝ ડાર્લિંગ'નો અનુવાદ નહીં એનું રૂપાંતર ઝવેરચંદ મેઘાણી દ્વારા કોઇ નો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના'વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજે અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: 'ખાક પડી આંહી કોઇના લાડકવાયાની'.

-: ઝવેરચંદ મેઘાણી

કશેક એક તત્વ દિવ્ય છે

હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો;
હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે;
બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે.

જીવીએ થોડું અંગત અંગત

ચાલ હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત

ખાલિપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં
જામ દરદનાં ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે
મહોંરા-બુરખા ઓઢી લઇને ભૂલીએ થોડું અંગત અંગત

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત

Saturday, January 15, 2011

जियो जियो अय हिन्दुस्तान

जियो जियो अय हिन्दुस्तान
जाग रहे हम वीर जवान,
जियो जियो अय हिन्दुस्तान !
हम प्रभात की नई किरण हैं, हम दिन के आलोक नवल,
हम नवीन भारत के सैनिक, धीर,वीर,गंभीर, अचल ।
हम प्रहरी उँचे हिमाद्रि के, सुरभि स्वर्ग की लेते हैं ।
हम हैं शान्तिदूत धरणी के, छाँह सभी को देते हैं।
वीर-प्रसू माँ की आँखों के हम नवीन उजियाले हैं
गंगा, यमुना, हिन्द महासागर के हम रखवाले हैं।
तन मन धन तुम पर कुर्बान,
जियो जियो अय हिन्दुस्तान !

हम सपूत उनके जो नर थे अनल और मधु मिश्रण,
जिसमें नर का तेज प्रखर था, भीतर था नारी का मन !
एक नयन संजीवन जिनका, एक नयन था हालाहल,
जितना कठिन खड्ग था कर में उतना ही अंतर कोमल।
थर-थर तीनों लोक काँपते थे जिनकी ललकारों पर,
स्वर्ग नाचता था रण में जिनकी पवित्र तलवारों पर
हम उन वीरों की सन्तान ,
जियो जियो अय हिन्दुस्तान !

हम शकारि विक्रमादित्य हैं अरिदल को दलनेवाले,
रण में ज़मीं नहीं, दुश्मन की लाशों पर चलनेंवाले।
हम अर्जुन, हम भीम, शान्ति के लिये जगत में जीते हैं
मगर, शत्रु हठ करे अगर तो, लहू वक्ष का पीते हैं।
हम हैं शिवा-प्रताप रोटियाँ भले घास की खाएंगे,
मगर, किसी ज़ुल्मी के आगे मस्तक नहीं झुकायेंगे।
देंगे जान , नहीं ईमान,
जियो जियो अय हिन्दुस्तान।

जियो, जियो अय देश! कि पहरे पर ही जगे हुए हैं हम।
वन, पर्वत, हर तरफ़ चौकसी में ही लगे हुए हैं हम।
हिन्द-सिन्धु की कसम, कौन इस पर जहाज ला सकता ।
सरहद के भीतर कोई दुश्मन कैसे आ सकता है ?
पर की हम कुछ नहीं चाहते, अपनी किन्तु बचायेंगे,
जिसकी उँगली उठी उसे हम यमपुर को पहुँचायेंगे।
हम प्रहरी यमराज समान
जियो जियो अय हिन्दुस्तान!
-: रामधारी सिंह दिनकर

ઘણું મૂકી ગયો છું હું

ઘણાં ચહેરા, ઘણી વાતો, ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહૂર છે સ્ટૉરી, “ટપકતી છત હતો પહેલાં”
પછી વરસ્યો ઘણૉ વરસાદ અને તૂટી ગયો છું હું.

વિચારું છું હજી ભીનાશ જેવું શું હશે અંદર ?
નહી તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું.

અરે હું ચાંદ છું પૂનમ તણૉ જાણૅ છે આખુ જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું.

વટાવી ગઈ હદો સઘળી ય મજબૂરી અમારી
કે-હતું મારં જ એ ઘર “પ્રેમ” ! ને લૂટી ગયો છું હું.
-: જિગર જોષી “પ્રેમ”

એવું બને કંઇ? ...

પાંદડી પર લ્હેરખીથી તું લખે કાગળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
મ્હેંકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયમ ઝાકળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?

હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

જેમ બાળક પ્હેલવેલો એકડો ઘૂંટે ને દેખાડે બધાને હોંશથી એવી જ રીતે-
આંગણામાં સ્હેજ ભીની માટીએ ઘૂંટી હતી કૂંપળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

એ જ તો ખૂબી છે પર્વતની ઉકેલી જો શકો તો કંઇક ઉગી જાય અંદર એટલી ભીની લીંપીથી-
પથ્થરોના પૃષ્ઠ પર છાપ્યા કરે ખળખળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

ખુદની ઓળખને કદિ ભૂલ્યો નથીને એટલે તો આ મજા લૂંટી રહ્યો છું
ને જુઓ હું મૂળ મુકી જ્યાં ઉભો છું એ ભૂમી એ તળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?
-: કૃષ્ણ દવે

Thursday, January 13, 2011

અમે રે ચંપો ને તમે કેળ

અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

તમે રે ચંપો ને અમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા,
આપણ એક રે ક્યારામાં દોનો રોપિયા

ચાંદા સરિખું મુખડું તમારું
ચંપા તે વરણી છે કાય રે
અળગા રહીને સોહંતા રૂપને
માણું તો માણ્યું ન જાય

ઉપરથી ઉજળા અને ભીતર ઘારી આગ
પણ અજવાળે જ્યોતિ ઓરડા
જેને અડતા લાગે દાગ

તમે રે મોતી ને અમે છીપ

વચને કીધા રે અમને વેગળા
જો ને
વચને કીધા રે અમને વેગળા

જુગની પુરાણી પ્રિત્યું રે અમારી
મળ્યો રે ભવોભવનો સાથ
તરસે છે આજે મળવાને કાજે
મેંદી રે મુકેલો મારો હાથ

ભવભવનો સાથી આપણે
તો યે જોને કેવો છે સંજોગ
એક રે બાજુ છે જોગ તો
જોને બીજી પર વિયોગ

તમે રે દીવો ને અમે વાટ
જ્યોત રે વિનાના દોનો ઝૂરતા

તમે રે ચંપો ને અમે કેળ
અમે રે ચંપો ને તમે કેળ
એક રે ક્યારામાં દોનો રોપિયા

એ સત્ય છે

એ ઓળખાય ન હિ પણ વર્તાય ...
આનંદ આવે જો થોડુ ઘણુ સમજાય....
એ સહજ છે -

ઝરણુ નદી બને અને નદી દરિયો બનેને એટલુ સહજ છે.....
રેતી ની ઢ્ગલી સદીઓ જતા પર્વત બની જાયને એટલુ સહ્જ.....
બાળકની આખ મા ડોકાતા વિસ્મય જેટ્લુ સહજ ....
તમે ધારો તો એના વિશે આત્મવિશ્વાસથી ખોટુ બોલી શકો
એટલુ સહજ...

એ ખરુ કે ક્દાચ એ બધા માટે સાધ્ય નથી હોતુ...
એની કિમત ચુક્વવી પડે છે ...
એને માટે "ક્રોસ" તૈયાર હોય છે.

એ કોઈ ને પણ સાભળતુ નથી છ્તા એના કાન મા ખીલા ઠોકાય છે

એ ક્ષણિક ના અનુભવ નો "તેજ લિસોટો" છે.
એ તમારી પાસે શોધાવડાવે છે એને...

એ અવિરત છે, રાહ જોવ્ડાવે છે,
એ અંગત છે, નિજી છે, પોતાનુ છે, સીમિત છે...
પણ સ્વાર્થી નથી.

એ સત્ય છે ...
પોત પોતાનુ સત્ય ......

Wednesday, January 12, 2011

પિચકારી મારો નહીં ગિરીધારીલાલ

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
-: સુરેશ દલાલ

થોડા દુઃખી હોવું તે સુખી હોવાની નિશાની છે

Taken from "Sandesh" News paper. Sent to me by a friend.

થોડા દુઃખી હોવું તે સુખી હોવાની નિશાની છે.....

આપણે દિવસે દિવસે વધુ ને વધુ આળા થતા જઈએ છીએ. આપણે નાની નાની વાતમાં દુઃખી થઈ જઈએ છીએ. માણસો તરફ કડવાશ થતી અને ધોવાઈ જતી, પણ જિંદગી તરફ ભાગ્યે જ કડવાશ થતી. આજના માનવીને તો જિંદગી આખી જ કડવી લાગે છે.
આજનો માણસ નાની એવી વાતમાં પણ ઉશ્કેરાઈ જાય છે, ટેન્શન અનુભવે છે અને ન કરવાનું કરી બેસે છે. આધુનિક માનવી એ સ્વીકારવા જ તૈયાર નથી કે અમુક દુઃખો જીવન સાથે અનિવાર્યપણે સંકળાયેલાં છે. વાત વાતમાં એ કોર્ટે ચડે છે, પાડોશીઓ સાથે અને સહકાર્યકર્તાઓ સાથે ઝઘડાઓ કરે છે. ભાગીદારો સાથે વાંધાઓ પાડે છે, દુનિયા આખીને નફરત કરે છે. ટેન્શન દૂર કરવા માટે ટીકડીઓ ખાય છે, અનેક સુખ-સગવડો વચ્ચે આપઘાત પણ કરે છે.
આધુનિક માનવીમાં બીજા સાથે સહકારથી જીવવાની ક્ષમતા દિવસે દિવસે ઘટતી જાય છે. સહકારથી જીવવા માટે માણસે કેટલુંક જતું કરવું પડે છે. કેટલુંક ભૂલી જવું પડે છે. આજના માનવીને એ ગમતું નથી, પરંતુ બીજી બાજુ માણસ સમાજમાં જીવે છે એટલે એકબીજા સાથે સહકાર અને સમાધાનથી જીવવાનું એના માટે અનિવાર્ય હોય છે. આવી નાનીનાની વાતોમાં એને લાગી આવે છે અને પડેલા ઘાને એ સતત કોતર્યા કરે છે અને એની સીધી ખરાબ અસર એના સહજીવન ઉપર પડે છે. કદાચ ભૂતકાળમાં ક્યારેય નહોતી એવી કટોકટીભરી સ્થિતિમાં લગ્નસંસ્થા આવી ગઈ છે. ગૃહકંકાસ અને લગ્નજીવનને લગતા અસંખ્ય કેસો કોર્ટોમાં પડયા છે. જેમાં સહકાર અને પ્રેમની જરૂર છે ત્યાં કાયદો લડાવવામાં આવે છે. લાગણી અને પ્રેમના પ્રશ્નો કાયદો ઉકેલી શકતો નથી.
અગાઉની જિંદગી અનેક અછતોથી ઘેરાયેલી હતી. સાધનોનો મોટો અભાવ હતો. પુરુષો સવારથી કામે લાગી જતા. પગે ચાલીને કે ગાડામાં મુસાફરી કરતા. અનેક હાડમારીઓ વેઠીને જીવતા, પણ જિંદગી તરફ તેમને વારંવાર કંટાળો આવી જતો નહોતો, યુવાનો અવારનવાર ડિપ્રેશનમાં ડૂબી જતા નહોતા, આજે સુખી કુટુંબના માણસો ખાલીપો અનુભવે છે એવો ખાલીપો પણ એ અનુભવતા નહોતા.
આધુનિક મનુષ્યને ઘણું બધું પ્રાપ્ત કરવું છે પણ કસોટીમાંથી પસાર થવું નથી. કોઈ પણ પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે એના લાભોનો વિચાર કરીએ અને એની સાથેની જવાબદારીનો વિચાર જ ન કરીએ તો એ કેવું? એમાં રહેલી ફરજો અને કસોટીઓનો વિચાર જ ન કરીએ તો કેવું? કસોટીઓ અને ફરજોથી નાસતા રહેવાથી શું વળે? આપણે એ સ્વીકારવું જોઈએ કે દરેક લાભ સાથે એવડી જ જવાબદારી સંકળાયેલી હોય છે અથવા દરેક સુખ સાથે એવડી જ કસોટી જોડાયેલી હોય છે.
કાચી માટીના ઘડામાં પાણી લાંબો સમય રહી શકતું નથી. ઘડો ફસકી જાય છે. જીવનના જામને ધારણ કરવા માટે ઘડાને ટીપાવું પડે છે અને અગ્નિમાં શેકાવું પડે છે. એ એક અનિવાર્યતા છે. એનાથી દૂર ભાગવાનું નિરર્થક છે.
ઘડા જેવું જ લાકડાનું છે. લાકડાનો ઉપયોગ કરતાં પહેલાં એને તડકામાં રાખવું પડે છે. પછી જ તે સિઝન્ડ બને છે.
દિવસે દિવસે, આપણે ‘સીઝનિંગ’ની આ સહજ પ્રક્રિયાથી દૂર નાસી રહ્યા છીએ. દુઃખમાં સામેથી કૂદી પડવાની જરૂર નથી, પરંતુ જે માણસ જીવનનાં સામાન્ય દુઃખોથી નાસતો જ રહે છે એ જીવનને સારી રીતે જીવી શકતો નથી. કેટલાંક દુઃખો આપણી જિંદગીનો જ એક ભાગ હોય છે. એનાથી દૂર ભાગનાર માણસ જિંદગીનો ભાર ઉપાડવા માટે ખમતીધર બની શકતો નથી.
સુખના સાગરમાં સતત મહાલતા રહેવાની એષણા જ માણસને પલાયનવાદી અને પાંગળો બનાવી દે છે. માણસે તો જિંદગીના અનેક તડકાછાંયામાંથી પસાર થવાનું છે, એમાં ક્યારેક ચિંતા વિના, ફરિયાદ વિના, ઉશ્કેરાટ વિના થોડા દુઃખી હોવું તે સુખી હોવાની નિશાની છે.
-: મોહમ્મદ માંકડ

Review: Mohammad Mankad has never been my fav. This again proves here. Though it says some philosophy about life. But the title and the last line does not match with whole para. Is any one against the view ?

Thursday, January 6, 2011

સામસામે આવીએ તો

સામસામે આવીએ તો ફફડે બે હોઠ

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

આખું આકાશ એક બટકેલી ડાળ પર લીલેરી કુંપળ થઇ ફૂટે
છાતીમાં સંઘરેલ સાત-સાત દરિયાઓ પરપોટા જેમ પછી ફૂટે

ધોમધોમ તડકામાં પાસપાસે ચાલીએ તો લાગે કે ભીંજાતા હોઇએ…
સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ.

સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,

પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..
… બોલવાનું સાનભાન ખોઇએ.
સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.
-: વંચિત કુકમાવાલા

જગતમાં પ્યાર વધતો જાય છે

લાગણીના ગામનો વિસ્તાર વધતો જાય છે,
એમ લાગે છે, જગતમાં પ્યાર વધતો જાય છે.

સરહદો કાયમ રહે પણ ના રહે શિકવા-ગીલા,
તો ખરેખર થાય કે સહકાર વધતો જાય છે.

આખરે સ્વીકાર થાશે એમની હસ્તી તણો,
ધારણાના બળ ઉપર તોખાર વધતો જાય છે.

એ જ કારણથી કબીરા પોક મૂકીને રડે,
આજકલ કાશી-અવધ યલગાર વધતો જાય છે.

આંખના આંસુ હૃદયની લાગણીને છેતરે,
વાતમાં કૈં તથ્ય છે કે ક્ષાર વધતો જાય છે.

કેટલી સંવેદનાઓને તમે ખાળી શકો ?
એ જ કારણ છે, કલમ પર ભાર વધતો જાય છે.

વાસ્તવિકતાની કચેરીમાં પડે પગલાં પછી,
સિર્ફ ‘ચાતક’ સ્વપ્નનો દરબાર વધતો જાય છે.
-: દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Sunday, January 2, 2011

મારે આ પ્રેમ ને શોધવો ક્યાં ?

નાટક: છેલ છબિલો ગુજરાતી ના સંવાદ

મારે આ પ્રેમ ને શોધવો ક્યાં ?
અરે ગાંડા, પ્રેમ ને શોધવાનો ના હોય, એ તો આપોઆપ ચડી જતો હોય છે.
છોકરીની આંખો સાથે આપણી આંખો નો સરવળો થાય અને ત્યારે જે લાગણી ઉત્ત્પન થાય ને એનુ નામ પ્રેમ.
એ છોકરી ને જોતા વેત આપડો માહ્લો આપડો ઈનર સોલ આપણને કહી દે કે, આ એજ વ્યક્તિ છે જેની સાથે મારે મારી જિંદગી વિતાવવી છે એ નિર્ણય એટલે પ્રેમ, જ્યારે પ્રેમ થઈ જાય છે ને ત્યારે વાતાવરણમાં ન મનેલુ ન સાંભળેલુ સંગીત રેલાય જાય છે. ઢોલ ઢબુક્વા માંડે છે.

તને ચાહું તો કેવી રીતે ચાહું?

નવા વર્ષની શરુઆત પ્રેમથી.....

જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું?
આંખોથી જોઉ તો નજર લાગે છે તને,
હોઠૉથી ચુમુ તો શરમ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું?

દિલમાં વસી છે તુ તો દર્દનો અહેસાષ નથી મને,
સરખે ભાગે વહેંચુ પ્રેમ તોય ભાગ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું?

લખુ પત્ર લોહીથી તોય સમય નથી તને,
આમ કરું તોય દિલમાં કદર નથી તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું?