Friday, March 28, 2008

ગુલાબી કાગળ ઉપર દિલના ઘાવ લખવાના

ગુલાબી કાગળ ઉપર દિલના ઘાવ લખવાના
નયન મળ્યાં ને બનેલો બનાવ લખવાના

કશે ન લાગતા મનનો લગાવ લખવાના
તમારો વધતો જતો દુષ્પ્રભાવ લખવાના

તમારી યાદનો જંગી જમાવ લખવાના
હૃદયમાં કાયમી એનો પડાવ લખવાના

તમારો ચહેરો જરી બદલે ભાવ, લખવાના
ને અટકળોની વધે આવજાવ, લખવાના

અમારી જિંદગી રેતાળ સાવ, લખવાના
તમારું હોવું, મીઠા જળની વાવ, લખવાના

તમારો ચહેરો નથી આસપાસમાં માટે
નયન કર્યા કરે છે ભીની રાવ, લખવાના

લખી લખીને અમે શું લખીશું માફીમાં?
દલીલ પાંગળી, લૂલો બચાવ લખવાના

છે અંતર આપણી વચ્ચે ભલેને દરિયાનું
અમે તો પત્રમાં કેવી છે નાવ લખવાના
-: હેમંત

Thursday, March 27, 2008

હજીયે યાદ છે

નામ જોડાયુ હતું કોઇના નામ આગળ, હજીયે યાદ છે.
મન ભાગ્યુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હજીયે યાદ છે.

ખબર પડી તરવા કરતાં ડૂબવાનો લહાવો અનેરો હતો
જ્યારે પ્રેમ સાગરના દેખાયા હતા તળ, હજીયે યાદ છે.

એની મૃદુતા, સ્નિગ્ધતાનો તોલ હું કઇ રીતે કરી શકું.
ખુદ જળને પણ ભરવું પડતું હતુ જળ, હજીયે યાદ છે.

ચૈત્રમાં મેઘરાજની મહેરનો સાક્ષી હું ખુદ છુ
ભુલથી આંખોમાં આંજી શું દીધુ કાજળ, હજીયે યાદ છે.

ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.

મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

અમને એક કરવાના વચને બંધાયો હતો,
છતાંસમયે આ કર્યુ કેવું નિર્મમ છળ, હજીયે યાદ છે.

આંસુઓ વીણી વરસાવી હતી ગઝલો ધોધમાર
છતાંય રહી ગયો હતો કોરો કાગળ, હજીયે યાદ છે.

Tuesday, March 25, 2008

જન્મદિવસ પર

ઘણા વર્ષ પહેલા મારા ૨૪માં જન્મદિવસ પર મે લખેલી થોડી પંક્તિ.

@#મી માર્ચ નો આ દિવસ
ન જાણે કેમ ફરી આવે છે.

હંમેશ સુનો વીતે છે આ દિવસ
હંમેશા ઘરથી દુર આવે છે.

ઘણા અરમાન જાગે છે.
ઘણી ઉર્મિ ઉઠે છે.
પણ છેવટે તો આ દિવસ
ન જાણે કીમ ઠંડોગાર ગુજરે છે.

બસ મિત્ર નીરાશાની વાત ન કર
ચલ ઉભો થા કાઈક નવુ કર
એક નવી પ્રતીજ્ઞા કર, એક નવુ વ્રુક્ષ વાવ.
દુનીયા સાચા માર્ગેચાલે એમ કોઈની દોરવણી કર.

"એક્લા" બહું મહત્વનો છે આ દિવસ
જીંદગી બહું કિમતી છે શું કામ વેડફે છે.

Wednesday, March 19, 2008

તમે પૂછશો નહી કે અમને કેમ છે

તમે પૂછશો નહી કે અમને કેમ છે
અમે સારા છીએ એ તમારો વહેમ છે

બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.

Monday, March 17, 2008

તારી આંખોના ખૂણે પ્રતીક્ષા હજુયે તરફડે છે

ભલે તુ ના કહે પણ,તારી આંખોના ખૂણે પ્રતીક્ષા હજુયે તરફડે છે.
તારા હોઠોના સ્ષંલન મા એક રુહાની તરલ નો ચિત્કાર છે.

તારા હસ્તની રેખાએ-રેખાએ સ્પર્શના મીન હજુયે સજીવ થાય.
ભલે તુ ના કહે પણ,તારા સપનામા અતીત નો પડછાયો હજુયે ભટકે છે.

મને ખબર છે કે તુ હજુ મારી રાહ જુવે છે. પણ હુ નહી આવુ. મે તને જવાનુ કહ્યુ નહોતુ અને તુ ગઈ છે. તો તુ તારી જાતે જ પાછી આવી જા.

Friday, March 14, 2008

આખરે મારી જ થઇ હાર, એ આ જ જગા છે

પ્રેમનો કર્યો હતો એકરાર એ આ જ જગા છે
ધરાઇને કર્યો હતો પ્યાર, એ આ જ જગા છે

શરૂઆતમાં કેટલીક પળ, પછી કલાક પછી દિન-રાત
તારા જ ચાલતા હતા વિચાર એ આ જ જગા છે

રુપાની ઘંટડી જેવો આવતો અવાજ હતો તારો
અને દિલના ઝણઝણતા તાર, એ આ જ જગા છે

કારણ શું હતુ કે મને આપેલ વચન તોડ્યા
નાજુક દિલમાં ખૂંપી કટાર, એ આ જ જગા છે

સ્વપ્નમાંય કદી ચાહ્યું નહોતુ એવું બની ગયુ
થઇ તારા જ દુઃખની કતાર, એ આ જ જગા છે

હું તો ચાહતો હતો તને જીવનભર સુખી જોવા
આખરે મારી જ થઇ હાર, એ આ જ જગા છે

Thursday, March 13, 2008

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ?

કોને ખબર ? સ્વપ્નમાં વહેતી'તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું: તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, 'રમેશ',
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?
-: રમેશ પારેખ

Wednesday, March 12, 2008

અળગી નથી કરી તને મેં અવગણી નથી

અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી

મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.

દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.

એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.

Friday, March 7, 2008

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

આજ પીઉં દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રુષ્ણ કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
-: વેણીભાઈ પુરોહિત