Wednesday, March 12, 2008

અળગી નથી કરી તને મેં અવગણી નથી

અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી

મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.

દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.

એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.

No comments: