Monday, June 16, 2008

એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
-: મરીઝ

Friday, June 13, 2008

સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી
‘મરીઝ’,સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?
-: મરીઝ

Tuesday, June 10, 2008

બસ કનેકટીવિટીનો પ્રોબ્લેમ છે

Found on an orkut message

ઘરમાં અચાનક જ ઠપ્પ થઈ ગયેલા
ટી.વી. સ્ક્રીનને જોઈ
નિદાન કરતાં જાણકારે કહ્યું
‘બસ કનેકટીવિટીનો પ્રોબ્લેમ છે.’
આમ તોઅમારા આ ઓરડામાં
તમામ દ્રશ્યો જીવંત હોય છે
તમામ ચીજવસ્તુઓ
એકમેકના સહવાસ થકી ગોઠવાઈ છે.
બધી જ વસ્તુઓ
કોઈ અજાણ્યા તંતુના સહારે
ધબકી રહી હોય તેવું લાગે છે.
હાવભાવો કે હલનચલનમાં
ક્યારેય કોઈરુકાવટ આવતી નથી
છતાંય
કેમ બધું ઠપ્પ થઈ ગયેલું લાગે છે ?
શક્ય છે
અહીં ફક્ત કનેકટીવિટીના –
જીવંત કેબલનો જ અભાવ છે !

Friday, June 6, 2008

ચૂમી છે તને

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
-: મુકુલ ચોકસી

બહુ મોઘાં અમારાં દામ છે

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
-: મરીઝ

Thursday, June 5, 2008

હું દેવાદાર છું

ના હું માલદાર નથી - દેવાદાર છું. તને ખબર તો છે,
"સ્મિત તારું"વષોથી માગી ગયો છું
પણ
એ પરત કરી શક્યો ક્યાં છું ?

ચા, દાળ અને સાસુ

ઘણા વખત પછી લખું છું. આમ તો મે નક્કી કર્યુ હતુ કે હવે રોજ લખીશ પણ હમણા ઓફિસમાં સારું એવુ કામ હતુ એટલે સમય નથી મળ્યો. ચાલો બ્રેક પછીનિ શરુવાત હલ્કી-ફુલ્કી પણ સારી વાત પરથી કરીએ.

ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દિવસ બગડ્યો.
સાસુ બગડી એની જિંદગી બગડી.

આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે, ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે! ઊકળવું એ જ એમનો સંદેશ. ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ. પરફોર્મન્સ જ ના આપે. ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો? ચા ઊકળે તો લાલ થાય, દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો … લાલ પીળી થાય ! ( આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી! ) એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે, ત્રીજી જિંદગી બગાડે. ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો ! આ ત્રણનું કોમ્બીનેશન જુઓ ! ત્રણેય સ્ત્રી જાતિ, અને સુધારવું – બગાડવું એના હાથમાં.

હાલમાં ક્યાંક વાંચ્યુ હતુ. બહુ મહત્વ પુર્ણ વાત છે. પણ બહુ સામાન્ય સાદગીથી કહી દીધી છે. જો આપણે આ સમજી જઈએ તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય.

બસ ભાઈ વાત પતી ગઈ હવે તો મુસ્કુરાવાનુ બંધ કરો. અરે ખબર છે તમારા જીવનની વાત છે પન જરા ધીરે જો સાસુ જોશે તો ફરી ઉકળશે.

-: ડૉ. નલિની ગણાત્રા