Wednesday, June 30, 2010

કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં

કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં !
મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઇ ચાંદની વરસાદમાં !

કોઇ આવે છે ન કોઇ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઇ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.
-: આદિલ મન્સૂરી

દિલની ધડકન

દિલની ધડકનને ધડકાવી ગયુ કોઈ,
મારા ખ્વાબોને મહેકાવી ગયુ કોઈ,
હુ તો અજાણ્યા રસ્તા પર જતો હતો,
અચાનક જ દોસ્તીનો મતલબ સિખાવી ગયુ કોઈ....

Tuesday, June 29, 2010

દિલ ના "સબંધ" ને તુટતા

દિલ ના "સબંધ" ને તુટતા મે જોયા છે,
વાત માથી શબ્દો ખુટતા ને જોયા છે,
કયા હતી મંજીલ ને કયા રહી ગયા અમે,
હાથ માંથી હાથ છુટતા મે જોયા છે.

પ્રેમને વિસ્તારવાનું

પ્રેમને વિસ્તારવાનું સહેજ પણ સહેલું નથી,
નફરતોને નાથવાનું સહેજ પણ સહેલું નથી.

દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી,
દોસ્તી નિભાવવાનું સહેજ પણ સહેલું નથી.

ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
રોતી આંખે બોલવાનું સહેજ પણ સહેલું નથી.

ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને,
જુલ્મને સહેતા જવાનું સહેજ પણ સહેલું નથી.
-: પ્રજ્ઞા વશી

Monday, June 28, 2010

મારી એ કલપ્ના હતી કે વીસરી મને, કીંતુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને,
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે, કંકોત્રીમાં રૂપ છે, શોભા છે, રંગ છે,
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમ કાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, શીર નામ મારૂ કીધું છે ખુદ એના હાથથી,
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એનાં લગ્નની મળી કંકોત્રી મને.

કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે,
જ્યારે ઉધાડી રીતે ના કાંઇ પ્યાર થાય છે, ત્યારે પ્રસંગ જોઇ સદચાર થાય છે.
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે,
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો, તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો,
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો,
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છુ, એ પારકી બની જશે હું એનો એજ છું.
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

લાલ કસુંબલ આંખડી

લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.

અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર

કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.

કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.

Saturday, June 26, 2010

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે 'ઘાયલ'
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

આ ભીની ભીની વરસાદી સાંજને

આ ભીની ભીની વરસાદી સાંજને આપણી જુદાઈ,
આ મીઠ્ઠા મધૂરા મોરના ટહુંકાને આપણું એકાંત,
આ કોયલનો કલરવને આપણી જુદાઈ
આ મૌસમ ઘણી ખુશખુશાલને આપણી વેદના વિરહની..

પ્રિયે, ચાલને જઈને છૂપાઈએ કોઈ એવી જગ્યાએ,
જ્યાં ના હોય જુદાઈને વિરહની વેદના
ના હોય એકાંતને જુદાઈ

બેઠા હોઈએ એક-બીજાની બાંહોમાં
દુનિયાની સામે થઈને આપણામાં
શોધતી રહે દુનિયા આપણને
અને હોઈએ આપણે એક અલગ દુનિયામાં

Thursday, June 17, 2010

ચમત્કારની કિંમત

ટેઝી નામની એ છોકરીની ઉંમર હતી ફકત આઠ વરસ. ન્યૂયોર્કના એક પરગણામાં એ, એનો બે વરસનો ભાઈ એન્ડ્રયુ અને એનાં માતા-પિતા એમ ચાર જણ રહેતાં હતાં. ટેઝીને એન્ડ્ર્યુ ખૂબ જ વહાલો હતો. એમાંય જ્યારથી એ બરાબર ચાલતાં શીખી ગયો હતો ત્યારથી તો જાણે ટેઝીની દુનિયા જ બદલી ગઈ હતી. નિશાળેથી આવ્યા પછી છેક સૂવાની ઘડી સુધી એન્ડ્ર્યુ સાથે એની ધિંગામસ્તી ચાલતી જ હોય. નિશાળનું લેસન પણ એની મમ્મી પચાસ વખત માથાં ફોડે ત્યારે માંડ પૂરું થઈ શકતું. આખો દિવસ ભાઈ-બહેનની કિલકારીઓથી એમનું ઘર ગુંજતું રહેતું.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આવા સરસ વાતાવરણને જાણે કે ગ્રહણ લાગી ગયું હતું. એન્ડ્ર્યુ માંદો પડી ગયો હતો. મા-બાપની વાત પરથી ટેઝીને એટલું સમજાયું હતું કે એન્ડ્ર્યુના મગજમાં કંઈક ગાંઠ કે એવી કોઈ ગરબડ ઊભી થઈ હતી. પણ એનાથી વિશેષ એ કંઈ પણ જાણતી નહોતી. ઘરના બદલાયેલા વાતાવરણે ટેઝીને પણ એની ઉંમર કરતાં વધારે ગંભીર બનાવી દીધી હતી.

એક બપોરે નિશાળેથી આવ્યા બાદ ટેઝી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે બાજુના રૂમમાંથી એની મમ્મીના રડવાનો અવાજ આવ્યો. અવાજ ન આવે તેવી રીતે ચૂપચાપ એ બારણાંની પાછળ મમ્મી શું કામ રડે છે તે જાણવા ઊભી હતી.

‘તો ? આપણે એન્ડ્ર્યુને સારો કરવા ઘર વેચી દેવું પડશે ? ખરેખર ?’ એની મમ્મી રડતાં રડતાં બોલી.
‘બીજો કોઈ છૂટકો જ નથી. અને તો પણ એને સાજો કરી શકાય એટલા પૈસા તો નથી જ ઊભા થઈ શકે તેમ.’ એના
પપ્પાએ નિસાસો નાખ્યો.
‘તો હવે શું થશે ? આપણો એન્ડ્ર્યુ….’ એની મમ્મીનાં આંસુ અટકતાં જ નહોતાં. એ ત્રુટક ત્રુટક શબ્દોમાં માંડ માંડ બોલતી હતી.
‘બસ, હવે તો એને ફકત ચમત્કાર જ બચાવી શકે.’ એના પપ્પા બોલ્યા પછી માબાપ બંને આંસુ સારતાં બેસી રહ્યાં.


ગમે તે હોય, પરંતુ પેલી ચમત્કારવાળી વાત ટેઝીના મગજમાં બરાબર ફિટ બેસી ગઈ. એણે થોડીક વાર સુધી શું કરવું એનો વિચાર કર્યો પછી પોતાની નાની બચતનો ગલ્લો (પિગીબૅંક) બહાર કાઢ્યો. એમાં એકઠા કરેલ પૈસા એણે પોતાની પથારી પર ઠાલવીને ગણ્યા. બરાબર એક ડૉલર અને તેર સેંટ થયા. (આશરે અડતાળીસ રૂપિયા). બરાબર ગણીને કાળજીપૂર્વક આ રકમ એણે એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરી. પછી એક હાથમાં કોથળી પકડી હળવેથી એ પાછળના બારણેથી નીકળી ગઈ.

ટેઝીના ઘરથી થોડેક દૂર એક મેડિકલ સ્ટોર હતો. એ ત્યાં પહોંચીને કાઉન્ટર પાસે ઊભી રહી. કાઉન્ટર પર હાજર ફાર્માસિસ્ટ એક અન્ય વ્યક્તિ સાથે વાત કરવામાં મશગૂલ હતો એટલે એણે ટેઝીના આવવા પ્રત્યે ધ્યાન ન આપ્યું. આમેય ટેઝીનું માથું માંડ કાઉન્ટર સુધી પહોંચતું હતું. ખાસ્સી વાર થવા છતાં દુકાનદારનું ધ્યાન ન ગયું. એટલે ટેઝીએ પોતાના હાથમાં રહેલી સિક્કાઓની કોથળીને કાઉન્ટરના કાચ પર થપથપાવી તથા એક વિચિત્ર અવાજવાળી ઉધરસ પણ ખાધી ! એની આવી હરકત દુકાનદારનું ધ્યાન ખેંચવામાં સફળ નીવડી. થોડીક ચીડ સાથે એણે કહ્યું : ‘અલી છોકરી, શું જોઈએ છે તારે ? શું કામ આવો ખખડાટ કરી રહી છો ? મારો ભાઈ ઘણા વખતે શિકાગોથી આવ્યો છે, એની સાથે મને બે ઘડી નિરાંતે વાત તો કરવા દે !’

‘હું પણ મારા ભાઈની વાત કરવા માગું છું. એ બે વરસનો છે અને ખૂબ જ માંદો છે. મારા પપ્પા કહે છે કે હવે તો એને ચમત્કાર જ બચાવી શકે તેમ છે. એટલે હું ચમત્કાર ખરીદવા આવી છું.’
‘ફરી વખત બોલ તો બેટા, શું કહ્યું તેં ?’ દુકાનદાર પર ટેઝીની વાતની કંઈક અસર થઈ હોય તેવું લાગ્યું.
‘મારા નાના ભાઈનું નામ એન્ડ્ર્યુ છે. એને મગજમાં કંઈક બીમારી થઈ છે. અમે એને સારો કરવા માટે ઘર પણ વેચી દેવાના છીએ. તેમ છતાં મારા પપ્પા કહે છે કે પૈસા ઘટશે અને એને ફકત ચમત્કાર જ બચાવી શકે તેમ છે. જુઓ, મારી પાસે મારી બચતના પૈસા છે, એમાંથી જો આવી શકે તો તમે મને ચમત્કાર વેચાતો આપો ને ! મને મારો ભાઈ એન્ડ્ર્યુ ખૂબ વહાલો છે. જો ચમત્કાર નહીં મળે તો….’ નાનકડી ટેઝીની આંખો ભરાઈ આવી. એના ગળે ડૂમો બાઝી ગયો. એનાથી થોડી વાર આગળ કંઈ પણ બોલી શકાયું નહીં.

દુકાનદાર ટેઝીની વાતથી વ્યથિત થઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ટેઝી તરફ ઝૂકીને બને એટલી નરમાશથી એણે કહ્યું : ‘મને માફ કરજે બેટા ! પરંતુ આ દુકાનમાં અમે ચમત્કાર નથી રાખતા કે નથી વેચતા. સૉરી બેટા !’
‘જુઓ અંકલ ! મારી પાસે આ કોથળીમાં જે પૈસા છે તે ઓછા લાગતા હોય તો કહી દેજો. હું ઘરેથી મારી મમ્મી પાસેથી વધારે પૈસા લેતી આવીશ. ફક્ત મને એટલું તો કહો કે ચમત્કારની કિંમત કેટલી થાય ?’

અત્યાર સુધી ચૂપચાપ આ બધી વાત સાંભળી રહેલ દુકાનદારના ભાઈએ ટેઝીની નજીક આવી તેના માથે હાથ મૂકીને પૂછ્યું : ‘દીકરી, ચમત્કારો તો ઘણા પ્રકારના મળે છે. મને ફકત એટલું કહે કે તારા ભાઈને કેવા ચમત્કારની જરૂર છે ?’
અત્યંત લાગણીથી એ માણસે પૂછ્યું એટલે ટેઝીની આંખો ફરીથી ભરાઈ આવી. થોડી વાર રહીને એ બોલી, ‘એ તો મને ખબર નથી અંકલ ! પણ એને કોઈક ઑપરેશનની પણ જરૂર છે. એના મગજમાં કંઈક તકલીફ થઈ છે. પણ અમારી પાસે પૂરતા પૈસા નથી. બસ, મને એનાથી વધારે કંઈ પણ ખબર નથી. પરંતુ મારા પપ્પા કહેતા હતા કે એને ફકત ચમત્કાર જ બચાવી શકશે. એટલે મારી પિગીબૅંકમાં મેં જે પૈસા ભેગા કર્યા હતા, એમાંથી હું ચમત્કાર ખરીદવા આવી છું !’

પેલા અજાણ્યા માણસે બે ક્ષણ પૂરતો વિચાર કર્યો. પછી એણે ટેઝીને કહ્યું : ‘હમ્….મ્…મ્… ! તો એમ વાત છે ? અચ્છા દીકરી, તું અત્યારે કેટલા પૈસા લાવી છો ?’
‘એક ડૉલર અને તેર સેંટ’ ટેઝીએ જવાબ આપ્યો.
‘એક ડૉલર અને તેર સેંટ ?! શું વાત છે !’ પેલા માણસે જાણે કે એ ખુશીથી ઊછળી પડ્યો હોય તેમ કહ્યું. ‘અરે બેટા ! આ તો એકદમ બરાબર રકમ છે. નાના ભાઈઓ માટેના ચમત્કારની કિંમત એક ડૉલર અને તેર સેંટ જ થાય છે.
કેવો યોગાનુયોગ ! હું એ પૈસા તારી પાસેથી લઈને તને એ ચમત્કાર જરૂર આપી શકીશ. પણ એ પહેલાં ચાલ, તું મને તારાં મમ્મી-પપ્પા પાસે લઈ જા !’

પેલા માણસે ટેઝીનો હાથ પકડ્યો. ટેઝી એને પોતાના ઘરે લઈ ગઈ. એ માણસે ટેઝીનાં મા-બાપ સાથે બધી વાતો કરી. બીજા જ અઠવાડિયે એક પણ પૈસાના ખર્ચ વિના એન્ડ્ર્યુનું ઓપરેશન શિકાગોની ખ્યાતનામ હોસ્પિટલમાં થઈ ગયું. એ માટે ટેઝીનાં મમ્મી-પપ્પાને ઘર પણ વેચવું ન પડ્યું.
ચમત્કાર વેચનાર એ માણસ હતો ડૉકટર કાલર્ટન આર્મસ્ટ્રોંગ – જાણીતો ન્યુરોસર્જન. ટેઝીની વાતે એને એવી તો અસર કરી હતી કે ખરેખર એણે એક ડૉલર અને તેર સેંટમાં ચમત્કાર કરી દીધો !

બીજા અઠવાડિયે એન્ડ્ર્યુ ઘરે આવી ગયો. સાવ સાજોસારો. એ દિવસે રાતના ભોજન વેળા બધાં બેઠા હતાં ત્યારે પોતાના હાથે જ ચમચી વડે સૂપ પીતાં એન્ડ્ર્યુને જોઈને એની મમ્મીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. એ એટલું જ બોલી શકી, ‘ખરેખર, એન્ડ્ર્યુને ચમત્કારે જ બચાવ્યો છે. નહીંતર ખબર નહીં, એની કેટલી કિંમત ચૂકવવી પડત ?’
‘એક ડૉલર અને તેર સેંટ !’ બાજુમાં બેઠેલી ટેઝી બોલી ઊઠી, ‘નાના ભાઈ માટેના ચમત્કારની કિંમત થાય એક ડૉલર અને તેર સેંટ ! તમને એની ક્યાંથી ખબર હોય ?!’
‘અને પોતાના નાના ભાઈને બચાવવા માટેનો બહેનનો પ્રેમ અને અવિચળ શ્રદ્ધા પણ જોઈએ ને !’ ટેઝીના માથે હાથ ફેરવીને એના પપ્પા બોલ્યા. આવી વાતોના અર્થથી અજાણ ટેઝી અને એન્ડ્ર્યુ પહેલાંની માફક જ એકબીજાં સામે જોઈને ખડખડાટ હસતાં હતાં.
-: ડૉ. આઈ. કે. વીજળીવાળા

Wednesday, June 16, 2010

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે

શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે

બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો

અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે મહાલે
નરસૈયાંચો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે
-: નરસિંહ મહેતા

ઊંચી મેડી તે મારા સંતની રે

ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં,
કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી,
મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં,
અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં,
તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા,
નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા,
પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
-: નરસિંહ મહેતા

મંઝિલને ઢૂંઢવા

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.

બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો ક્રરો ,
પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે.

દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે.

પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો મૃત્યુ પછી 'રવિ’,
જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે.

Tuesday, June 15, 2010

જો સુરા પીવી જ હો તો

જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો
-: ઉમર ખૈયામ અનુવાદ ’શૂન્ય’ પાલનપુરી

પ્રેમમાં ચાલને ચકચૂર થઈ

પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થઈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થઈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થઈ ચાલ્યા કરીએ.
-: હરિન્દ્ર દવે

Monday, June 14, 2010

રૂડી ને રંગીલી રે

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
-: નરસિંહ મહેતા

નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથણીનો શામળિયો છે ચોર

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
-: નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી.

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ.

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી.

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે.

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી.
-: નરસિંહ મહેતા

મેહુલો ગાજે ને માધવ નાચે

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે.

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે.

મેહુલો ગાજે ને માધવ નાચે...
-: નરસિંહ મહેતા

ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
-: મીરાંબાઇ

Thursday, June 10, 2010

આ નભ ઝૂક્યું તે કાનજી

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,

આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,

આ બાગ ખીલ્યો તે કાનજી ને
લ્હેરી જતી તે રાધા રે,

આ પરવત-શિખર કાનજી ને
કેડી ચડે તે રાધા રે,

આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,

આ કેશ ગૂંથ્યા તે કાનજી ને
સેંથી પૂરી તે રાધા રે,

આ દીપ જલે તે કાનજી ને
આરતી તે રાધા રે,

આ લોચન મારાં કાનજી ને
નજરું જુએ તે રાધા રે !
-: પ્રિયકાંત મણિયાર

પ્રેમ એટલે

પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ.
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ.

પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ.

પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ.

પ્રેમ એટલે આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ.

પ્રેમ એટલે તને ઓઢુ, તને પહેરુ,
તને શ્વસુ તુંજ રહે સદા મારી આસ-પાસ.

Wednesday, June 9, 2010

વરસોનાં વરસ લાગે

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. .
-: મનોજ ખંડેરિયા

Tuesday, June 8, 2010

જાગને જાદવા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?

ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
-: નરસિંહ મહેતા

મઝહબની એટલે તો ઈમારત

મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
-: જલન માતરી

Thursday, June 3, 2010

તદબીર લાગે છે

મને કંઈ એ રીતે નિદ્રામાં જીવન સ્થિર લાગે છે,
કે જાણે રાત દિનના ખ્વાબની તાબીર* લાગે છે.

નહીં તો આપ દિલને આમ પથ્થરનું બનાવો નહિં,
મહોબ્બતની કોઈ મજબૂત એ તામીર* લાગે છે.

ભરમ મારો જુદો છે બંધ મુઠ્ઠી રાખનારાથી,
મને મારા ઉઘાડા હાથમાં તકદીર લાગે છે.

નથી એમાં પ્રણયનો રંગ કે સૌંદર્યની રેખા,
હવે દિલ કોઈની જાણે જૂની તસ્વીર લાગે છે.

ચમનની જેમ રણને તો નથી દીવાલ-દરવાજા,
બધાંની હોય જાણે એવી એ જાગીર લાગે છે.

એ મુક્તિ હો કે બંધન હો, ચરણનો હાલ છે એક જ;
પ્રથમ લાગ્યાં હતાં કાંટા, હવે જંજીર લાગે છે.

નહીં તો વાદળી વરસ્યા વિના વિખરાઈ ના જાયે,
ધરા જેમ જ ગગનમાં ઝાંઝવાનાં નીર લાગે છે.

લલાટ આ રીતે નહિ તો ના ઘસે બેફામ સજદામાં,
કે એ તકદીર ભુંસવાની કોઈ તદબીર લાગે છે.
-: બરકત વિરાણી ‘બેફામ’

વૈષ્ણવજન તો તેને રે કહીયે

વૈષ્ણવજન તો તેને રે કહીયે,
જે પીડ પરાઈ જાણે રે.

પરદુઃખે ઉપકાર કરે તોયે,
મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે.

વાચ કાછ મન નિશ્ચલ રાખે,
ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી,
પરસ્ત્રી જેને માત રે.

જિહ્વા થકી અસત્ય ન બોલે,
પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને,
દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.

રામ નામ શું તાળી રે વાગી,
સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યા રે.

ભણે નરસૈયો તેનું દર્શન કરતા,
કુળ ઈકોતેર તાર્યા રે.
-: નરસિંહ મહેતા

Wednesday, June 2, 2010

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,
રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી…!

રાધા બનીને સહેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,
શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી…!

મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!

-: ભાગ્યેશ જ્હા

રહેવાને તારા દિલ જેવુ ઘર મળે તો ચાલે

બહું ઊંચી અપેક્ષાઓ નથી અમારી,
રહેવાને તારા દિલ જેવુ ઘર મળે તો ચાલે.

સુરજ-ચાંદના સપનાઓ નથી મારા,
થોડા દિપકોથી અંધકાર ટળે તો ચાલે.

મઘમધતા અત્તરોથી જીવન નથી મહેકાવું મારે,
થોડા ફુલોની સુગંધ એમાં ભળે તો ચાલે.

આખી દુનિયાની ચાહત નથી જોઇતી મારે,
બસ તું એક જ મારા પ્રેમમાં પડે તો ચાલે.

ઇશ્વરને પણ તકલીફ નથી આપવી મારે,
લખ મારી તકદીર તું તારા હાથો વડે તો ચાલે.

મારા પ્રેમ વિશે બહું કહીશ નહિ,
ખાલી મારી આત્માને તું વખાણે તો ચાલે.

હશે ઘણું મળવાનું જીવનમાં,
પણ મને તો ફક્ત તું એક મળે તો ચાલે.