Tuesday, September 21, 2010

આસું ક્યાં ઉઘરાવવા

લાગણીનું પાન લીલું રાખવા
આસું ક્યાં ઉઘરાવવા ચારે તરફ

ઘણીવાર વરસાદ એવો પડે કે
ચિતા પર ચડો ને સળગવા ન દે

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઇએ
જીવવા માટે બહાનું જોઇએ

એક જણ સાચુ રડે તો બહુ થયું
મૌન ક્યાં આખી સભાનું જોઇએ
-: રમેશ પારેખ

મૌનથી વધુ કોઇ વાત

હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો
દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો
સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું
અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો

ક્યાં છે વિશ્વાસના વહાણો તરી શકે એવું?
કયાં છે રણમાંય દરિયો ભરી શકે એવું?
મારી પાસે તો ફક્ત ક્ષણની પારદર્શકતા
ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઇ ઠરી શકે એવું?

થોડી દુર્ધટના ભરી થોડી ક્ષણો ખાલી ગઇ
હું ગયો, ખૂશ્બૂઓ જ્યાં હાથ મારો ઝાલી ગઇ
ઊંઘ આવી નહીં, તો શું થયું? ના કૈં જ થયું
આંખની સપનાંઓ જોવાની ટેવ ચાલી ગઇ

મૌનથી વધુ કોઇ વાત જાય ના આગળ
સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ
ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ
-: રમેશ પારેખ

Friday, September 17, 2010

બે ઘડી વાતો કરી ...

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં.

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં......બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.
-: કૃષ્ણ દવે

Tum milo to Sahi, तुम मिलो तो सही

Inspiring dialogue from movie "Tum milo to Sahi, तुम मिलो तो सही"

शालिनीजी,
आप कहाँ रहेती है, क्याँ काम करती है, इन चीजो से अगर किसी को फर्क पड़ता है ना तो पड़े आपको नहीं पड़ना चाहिए।
खुद की रिस्पेक्ट आप करले ना तो सब करेंगे।

Wednesday, September 15, 2010

ચાલને રમીએ પળ બે પળ

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.
હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.

રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.
-: કૃષ્ણ દવે

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
-: નરેન્દ્ર મોદી

Monday, September 6, 2010

ઇશ્વર મળ્યો બસ

નહીં ઘંટનાદમાં કે ન આરતીમાં,
ઇશ્વર મળ્યો બસ અંતરના ઉંડાણમાં

નહીં ગંગામાં કે ન જમનામાં
ઇશ્વર વહી રહ્યો બસ અશ્રુજલમાં

નહીં વાદમાં કે ન વિવાદ માં
ઇશ્વર પમાયો બસ અનુભૂતિમાં

નહીં મંદિરમાં કે ન મસ્જિદમાં
ઇશ્વર વસી રહ્યો બસ માનવમાં

નહીં લેવામાં કે ન દેવામાં
ઇશ્વર શ્વસી રહ્યો બસ હોવામાં

નહીં પથ્થરમાં કે ન મૂર્તિમાં
ઇશ્વર સંતાયો બસ શિશુની આંખમાં

નહીં ગીતમાં કે ન ગઝલમાં
ઇશ્વર છૂપાયો બસ મૌન એહસાસમાં

હુંફાળો સ્પર્શ કાનને કરી

હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો;
હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે;
બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે,

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા,
શું સ્થિરતા, પ્રવાહિતા શું સામ દામ દંડ ભેદ!?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે,
એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

‘ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને
આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,’
સ્વભાવગત આ વાત છે સ્વિકારવું – નકારવું,
કરૂણતાઓથી ભર્યું જિવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે;
ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે!
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે;
ક્ષણીક હોય છે બધું - અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત;
વિવેચકોની દ્રષ્ટિઓય લીન છે સ્વરૂપમાં
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ;
સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’!
-: જિગર જોષી ‘પ્રેમ’