હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો
દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો
સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું
અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો
ક્યાં છે વિશ્વાસના વહાણો તરી શકે એવું?
કયાં છે રણમાંય દરિયો ભરી શકે એવું?
મારી પાસે તો ફક્ત ક્ષણની પારદર્શકતા
ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઇ ઠરી શકે એવું?
થોડી દુર્ધટના ભરી થોડી ક્ષણો ખાલી ગઇ
હું ગયો, ખૂશ્બૂઓ જ્યાં હાથ મારો ઝાલી ગઇ
ઊંઘ આવી નહીં, તો શું થયું? ના કૈં જ થયું
આંખની સપનાંઓ જોવાની ટેવ ચાલી ગઇ
મૌનથી વધુ કોઇ વાત જાય ના આગળ
સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ
ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ
-: રમેશ પારેખ
Tuesday, September 21, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment