Showing posts with label મુકેશ જોષી. Show all posts
Showing posts with label મુકેશ જોષી. Show all posts

Monday, October 4, 2010

પાનખરોમાં પાન ખરે ને

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઇ ખાઇ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
-: મુકેશ જોષી

Saturday, May 29, 2010

આજે તારો કાગળ મળ્યો

આજે તારો કાગળ મળ્યો
ગોળ ખાઈને સૂરજ ઊગે, એવો દિવસ ગળ્યો

એક ટપાલી મૂકે હાથમાં. વ્હાલ ભરેલો અવસર
થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર
વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી મળ્યો. આજે.

તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત
`લે મને પી જા હે કાગળ !’ પછી માંડજે વાત
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો. આજે

એકે એક શબદની આંખો, અજવાળાથી છલકે
તારા અક્ષર તારા જેવું મીઠું મીઠું મલકે
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો
-: મુકેશ જોષી

Thursday, April 29, 2010

તને વહાલો વરસાદ કે હું ?

મને સાચ્ચો જવાબ દઇશ તું?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે
કે મારી આ કોયલનું કૂ…
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું…
તને વહાલો વરસાદ કે હું ?

તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ…
તને વહાલો વરસાદ કે હું ?

મને સાચ્ચો જવાબ દઇશ તું?.
-: મુકેશ જોષી