Thursday, March 27, 2008

હજીયે યાદ છે

નામ જોડાયુ હતું કોઇના નામ આગળ, હજીયે યાદ છે.
મન ભાગ્યુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હજીયે યાદ છે.

ખબર પડી તરવા કરતાં ડૂબવાનો લહાવો અનેરો હતો
જ્યારે પ્રેમ સાગરના દેખાયા હતા તળ, હજીયે યાદ છે.

એની મૃદુતા, સ્નિગ્ધતાનો તોલ હું કઇ રીતે કરી શકું.
ખુદ જળને પણ ભરવું પડતું હતુ જળ, હજીયે યાદ છે.

ચૈત્રમાં મેઘરાજની મહેરનો સાક્ષી હું ખુદ છુ
ભુલથી આંખોમાં આંજી શું દીધુ કાજળ, હજીયે યાદ છે.

ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત
વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે.

મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે
એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે.

અમને એક કરવાના વચને બંધાયો હતો,
છતાંસમયે આ કર્યુ કેવું નિર્મમ છળ, હજીયે યાદ છે.

આંસુઓ વીણી વરસાવી હતી ગઝલો ધોધમાર
છતાંય રહી ગયો હતો કોરો કાગળ, હજીયે યાદ છે.

No comments: