Saturday, January 15, 2011

એવું બને કંઇ? ...

પાંદડી પર લ્હેરખીથી તું લખે કાગળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?
મ્હેંકનું પુસ્તક ઉઘાડું ને પ્રથમ પાને સ્વયમ ઝાકળ ને હું વાંચુ જ નહીં એવું બને કંઇ?

હું તો બસ એકાદ બે ખોબો ભરી મારી તરસ પરબીડીયામાં સાવ આમ જ મોકલું ને-
તરત પ્રત્યુત્તરમાં છલકતા મળે વાદળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

જેમ બાળક પ્હેલવેલો એકડો ઘૂંટે ને દેખાડે બધાને હોંશથી એવી જ રીતે-
આંગણામાં સ્હેજ ભીની માટીએ ઘૂંટી હતી કૂંપળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

એ જ તો ખૂબી છે પર્વતની ઉકેલી જો શકો તો કંઇક ઉગી જાય અંદર એટલી ભીની લીંપીથી-
પથ્થરોના પૃષ્ઠ પર છાપ્યા કરે ખળખળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?

ખુદની ઓળખને કદિ ભૂલ્યો નથીને એટલે તો આ મજા લૂંટી રહ્યો છું
ને જુઓ હું મૂળ મુકી જ્યાં ઉભો છું એ ભૂમી એ તળ ને હું વાચું જ નહીં એવું બને કંઇ?
-: કૃષ્ણ દવે

No comments: