અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે ...
અખિલ બ્રહ્માંડમાં …
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે ...
અખિલ બ્રહ્માંડમાં …
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે ...
અખિલ બ્રહ્માંડમાં ...
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે ...
અખિલ બ્રહ્માંડમાં......
No comments:
Post a Comment