સોનેરી રંગ સાંજનો
ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું
શ્યામલ વરણી રાત
સઘળા રંગો મેં રળ્યા
દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી
કોઇ અનોખી ભાત
મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
રંગ તો એવો જાલીમ જાણે જમદૂતે ઝંખેલો હો.
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો હો.
એના ઝેરની ઝાપટ લાગી મુને ફુટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો.
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો.
હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
-: નીનુ મઝુમદાર
Sunday, May 30, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment