Monday, October 4, 2010

કયાં છે

જાંબુડાના ઝાડ ઉપર લટકતો
લીલો લીલો મારો સૂરજ કયાં છે ?

ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
ભોળો ભોળો અંધકાર ?
પ્રભાતપંખીનાં પગલાની લિપિમાં આળખેલો
ડુંગર ફરતો ,ચકરાતો એ ચીલો કયાં છે ?

કયાં છે મારી પથ્થર વચ્ચેપાણી લઈને વહેતી
શમણા જેવી નદી ?
વનપરીના નાનકડા ખોબા જેવી
તરંગની આંગળીઓ વચ્ચે
પવન રમાડતી
પેલી મારી તલાવડી કયાં છે ?

કયાં છે મારું ટેકરીઓનું ગામ,
ગામનું ઘર,ઘરની કોઢ,કોઢમાં
અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
કયાં છે.......

No comments: