Monday, November 22, 2010

આ તે કેવું ?

ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?

મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?
-: કૃષ્ણ દવે

No comments: