Wednesday, November 3, 2010

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.

નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.

બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી.

શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો -
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી.

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.

ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.
-: બરકત વિરાણી ‘બેફામ’

No comments: