Wednesday, July 20, 2011

પ્રેમ

માણસ પત્ની ને 'પ્રાપ્ત' કરે છે , પરંતુ પ્રિયતમા ને 'પામે' છે - વૃક્ષ પવનને પામે તેમ !
બે મળેલા જીવ વચ્ચે લય ન પ્રગટે તો માનવુ કે બે વચ્ચે જે ઝંકૃતિ પ્રગટી તે પ્રેમ નહી, પણ પ્રેમ નો ભ્રમ હતો..
પ્રેમનો ભ્રમ પણ ખાસ્સો સુખદાયી જણાય છે. જો પ્રેમ નો ભ્રમ આટલો સુખદાયી હોઈ શકે તો, સાચુકલો પ્રેમ કેટ્લો આનંદપ્રદ હશે!

પાલવ અડક્યાનો વ્હેમ પણ હ્ર્દયંગમ હોય છે કારણ કે, કશુક અલૌકિક પામવાની શક્યતાનો કોમળ ઈશારો એમા રહેલો હોય છે.
પ્રત્યેક માણસને જીવન મા આવી રોમાચક પળ પ્રાપ્ત થવી જ જોઈએ.
આવો કોમળ ઈશારો જ્યાં તાણી જાય ત્યાં વહી જવુ એ જો ગુનો હોય તો તે સૌએ કરવા યોગ્ય એવો કાવ્યમય, મધુમય અને પ્રભુમય ગુનો છે...

'સ્વજન'
સ્ટીલ ના કબાટ્મા હોય એવુ એક ચોરખાનુ પ્રત્યેક માણસના હ્રદયમાં પણ હોય છે, જેનો ખ્યાલ બીજી કોઈ વ્યક્તિને આવતો નથી.
માણસ મૃત્યુ પામે ત્યારે એના દેહ સાથે એ ચોરખાનુ પણ ભસ્મિભૂત થતું હોય છે.
જે સ્મશાનભસ્મ સ્વજનનો નદીમા પધરાવતા હોય છે તે હકીકત મા તો મરનારની લાગણીભસ્મ હોય છે.

'સ્વજન' તે, જેની આગળ માણસ પોતાનુ ચોરખાનુ જરા પણ અવઢવ વગર ખુલ્લું મૂકી શકે.આવુ એકાદ સ્વજન પામવુ એ જેવું તેવું સદભાગ્ય નથી.
આવું એકાદ 'સ્વજન' પામનારને ગરીબ કહેવો અને ન પામનાર માલદાર આદમી ને શ્રીમંત કહેવો એમાં માનવસંબંધોની મશ્કરી છે.


મહોબ્બત
"ગર્લફ્રેન્ડ" શબ્દ પત્નીઓને ભારે અળખામણો લાગે છે. એ જ રીતે "બોયફ્રેન્ડ" શબ્દ પતિઓને ભડકાવનારો છે.
માલિક થયા વગર માણસને ચેન નથી પડતું. માણસ ખટારાનો કે ઘરનો માલિક હોઈ શકે.
માણસ જેવા માણસ નો કોઈ માલિક હોઈ શકે ?

જેઓ માલિક બને તેઓ મહોબ્બત ના કરી શકે. માલિકી હોય ત્યાં મજબૂરી હોઈ શકે મહોબ્બત ન હોઈ શકે.

-: ગુણવંત શાહ

No comments: