Tuesday, July 5, 2011

હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

વ્હાલમની વાત કંઇ વ્હેતી કરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા;
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી;
પાગલની પ્રીત કંઈ અમથી હરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું?
ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

No comments: