Thursday, February 21, 2008

દુનીયા કલ્પનાની છે

આમ તો સર્જકે અને "મારી ખાનદાની" શીર્ષક આપ્યુ છે પણ મને આનુ નામ "દુનીયા કલ્પનાની છે." વધારે ગમ્યુ.

બધા દિવસો મજાના છે, બધી રાતો મજાની છે;
અદેખાઈ ન કરજો, મારી દુનીયા કલ્પનાની છે.

દુ:ખી નજરે જુએ છે દૂરથી મારા બુઢાપાને,
નથી એ કોઈ બીજું દોસ્ત, એ મારી જવાની છે.

જીવ્યો બેચાર ક્ષણ હું એટલું જો બાદ કરીએ તો,
હજી પણ મારી પાસે ચાર દિનની જિંદગાની છે.

પધારો તો પરોણાગતમાં હું ઘરને ગીરો મૂકું,
ભલે ખાલી થયો, પણ એ જ મારી ખાનદાની છે.

કરું ના દાન તો કોઈ મને કંજૂસ ના કહેશો,
કે મારી માસ તો પૂંજી ફક્ત મારી પીડાની છે.

રહે અણદીઠ એનો ન્યાય તો શંકા નહીં કરજો,
કે સૌ છાના ગુનાહોની સજા એવી જ છાની છે.

કરે છે એટલા માટે તો ભેગાં લોકના ટોળાં,
દીવાનો પણ એ સમજે છે કે આ દુનીયા દીવાની છે.

જતનથી જાળવું છું જાતને હું એટલે `બેફામ',
જગતમાં એ જ તો એક મારી નિશાની છે.
-: બરકત વિરાણી "બેફામ"

No comments: