Saturday, October 22, 2011

ઉમર ખય્યામની કલમે

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કેહું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ


નથી કોઇ પણ માર્ગ દર્શક અમારો.
નથી ક્યાંય પણ કોઇ મંઝિલ અમારી.
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર
અમારી અદાથી સફર કોણ કરશે?


કેવું રાતું ચોળ છે, જો આ સુમન વનફાલનું
જોઉં છું એની રગોમાં લોહી કો મહિવાલનું
જો આ નમણી નવલતાની નર્મ નાજુક પાંદડી
છૂંદણું લાગે છે એ કોઇ રૂપાળા ગાલનું


કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની
વ્યગ્ર થઇને માટી બોલી, “ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની


ઓ પ્રિયે, કઠપૂતલીઓનો છે તમાશો જિંદેગી
ભવના તખ્તા પર નચાવે છે વિધિની આંગળી
અંક ચાલે ત્યાં લગીનો છે અભિનય આપણો
શૂન્યની સંદૂકમાં ખડકાઇ જાશું એ પછી



મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.


શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.


હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?
- ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)