અનાયાસે ખરી કૂંપળ,પછી બે-ફામ રોયો છું
નજરસામે સુકાયું જળ,પછી બે-ફામ રોયો છું
હતું કે,જિંદગી સાથે ઘરોબો કેળવી લેશું
મળી નહીં કોઇ એવી પળ,પછી બે-ફામ રોયો છું
ત્યજીબેઠો કિનારો,ખાતરી ઊંડાણની કરવા
ન આવ્યું કોઇરીતે તળ,પછી બે-ફામ રોયો છું
ન આવ્યો સ્હેજપણ અણસાર,ને પલટાઈ ગઈ બાજી
કરી ગઈ જિંદગી ખુદ છળ,પછી બે-ફામ રોયો છું
રમ્યો'તો બાટ છેલ્લી,જીતવા હારી ગયેલું હું
ન આવ્યું કામ કંઈ અંજળ,પછી બે-ફામ રોયો છું
કસોટી પણ ન થઈ નક્કર,ન થઈ સરખામણી સધ્ધર
અપેક્ષાકૃત્ મળ્યું નહીં ફળ,પછી બે-ફામ રોયો છું
Monday, January 19, 2009
Subscribe to:
Posts (Atom)